ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે NHAIએ કરાર પર હસ્તાક્ષર કર્યા
ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે NHAIએ કરાર પર હસ્તાક્ષર કર્યા
રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને સરળ અને મુશ્કેલીમુક્ત ટોલિંગ અનુભવ પૂરો પાડવા માટે, NHAI દ્વારા પ્રમોટ કરાયેલી કંપની, ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL)એ ગુજરાતના ચોર્યાસી ફી પ્લાઝા ખાતે NH-48 પર દેશની પ્રથમ વ્યાપક મલ્ટી–લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે ICICI બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સીમાચિહ્નરૂપ કરાર NHAI મુખ્યાલય, નવી દિલ્હી ખાતે NHAIના ચેરમેન શ્રી સંતોષ કુમાર યાદવ અને NHAI, IHMCL અને ICICI બેંકના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો.
આ કરાર પર હસ્તાક્ષર એ અવરોધ–મુક્ત ટોલિંગ તરફનું એક મોટું પગલું છે, જે FASTag દ્વારા સીમલેસ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનને સક્ષમ બનાવશે. ગુજરાતમાં ચોર્યાસી ફી પ્લાઝા દેશનો પ્રથમ અવરોધ–મુક્ત ટોલ પ્લાઝા હશે. આ ઉપરાંત હરિયાણાના ઘરૌંદા ફી પ્લાઝા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ–44 પર મલ્ટી–લેન ફ્રી ફ્લો (MLFF) આધારિત ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે ICICI બેંક સાથે પણ કરાર કરવામાં આવ્યો હતો. NHAI ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 25 રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી પ્લાઝા પર મલ્ટી–લેન ફ્રી ફ્લો (MLFF) આધારિત ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. અમલીકરણ માટે આવા ફી પ્લાઝા ઓળખવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
આ પ્રસંગે NHAIના ચેરમેન શ્રી સંતોષ કુમાર યાદવે જણાવ્યું હતું કે, “મલ્ટી–લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટેનો આ કરાર ભારતમાં ટોલિંગના ઉત્ક્રાંતિ અને આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કામગીરીમાં ટેકનોલોજી–આધારિત પરિવર્તનના અમારા વિઝનને અનુરૂપ, વધુ કાર્યક્ષમ, પારદર્શક અને વપરાશકર્તા–મૈત્રીપૂર્ણ ટોલિંગ ઇકોસિસ્ટમનો પાયો નાખશે અને તેને રાષ્ટ્રવ્યાપી અપનાવવા માટે માર્ગ મોકળો કરશે.”
મલ્ટી–લેન ફ્રી ફ્લો ટોલિંગ એ એક અવરોધ–મુક્ત ટોલિંગ સિસ્ટમ છે જે ઉચ્ચ–પ્રદર્શન RFID રીડર્સ અને ANPR કેમેરા દ્વારા FASTag અને વાહન નોંધણી નંબર (VRN) વાંચીને વ્યવહારોને સક્ષમ બનાવે છે. તે ફી પ્લાઝા પર વાહનોને રોક્યા વિના સીમલેસ ટોલ કલેક્શનને સક્ષમ બનાવે છે, ભીડ અને મુસાફરીનો સમય ઘટાડે છે જેના કારણે ઇંધણ કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. MLFFના અમલીકરણથી ટોલ રેવન્યુ કલેક્શનમાં સુધારો થશે અને દેશભરમાં સ્માર્ટ, ઝડપી અને કાર્યક્ષમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક બનાવવામાં પણ ફાળો મળશે.