UIDAI માતાપિતા અને વાલીઓને બાળકોના આધાર બાયોમેટ્રિક્સ અપડેટ કરવા અપીલ; 5 થી 7 વર્ષની વયના બાળકો માટે નિ:શુલ્ક છે
UIDAI માતાપિતા અને વાલીઓને બાળકોના આધાર બાયોમેટ્રિક્સ અપડેટ કરવા અપીલ; 5 થી 7 વર્ષની વયના બાળકો માટે નિ:શુલ્ક છે
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ સાત વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોય પરંતુ હજુ સુધી આધારમાં તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા ન હોય તેવા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) પૂર્ણ કરવાના મહત્વને પુનરાવર્તિત કર્યું છે. આ આધાર અંતર્ગત હાલની એક જરૂરિયાત છે, અને માતાપિતા અથવા વાલીઓ કોઈપણ આધાર સેવા કેન્દ્ર અથવા નિયુક્ત આધાર કેન્દ્ર પર તેમના બાળકની વિગતો અપડેટ કરી શકે છે.
5 થી 7 વર્ષની વયના તમારા બાળકના આધાર બાયોમેટ્રિક્સ નિ:શુલ્ક અપડેટ કરો
પાંચ વર્ષથી ઓછી ઉંમરનો બાળક ફોટોગ્રાફ, નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને પુરાવાના દસ્તાવેજો આપીને આધાર માટે નોંધણી કરાવે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકના આધાર નોંધણી માટે તેના ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી કારણ કે તે ઉંમર પરિપક્વ નથી.
હાલના નિયમો મુજબ, બાળક પાંચ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેના/તેણીના આધારમાં ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ અને ફોટો ફરજિયાતપણે અપડેટ કરવા જરૂરી છે. આને પ્રથમ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) કહેવામાં આવે છે. જો બાળક પાંચથી સાત વર્ષની ઉંમર વચ્ચે MBU કરે છે, તો તે નિશુલ્ક છે. પરંતુ સાત વર્ષની ઉંમર પછી, તે માટે ફક્ત 100 રૂપિયાની નિર્ધારિત ફી છે.
બાળકોના બાયોમેટ્રિક ડેટાની ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે MBU સમયસર પૂર્ણ કરવું એ જરૂરી છે. જો 7 વર્ષની ઉંમર પછી પણ MBU પૂર્ણ ન થાય, તો હાલના નિયમો અનુસાર, આધાર નંબર નિષ્ક્રિય કરી શકાય છે.
નોંધણીથી અવસર સુધી – આધાર દરેક પગલાને સશક્ત બનાવે છે
અપડેટેડ બાયોમેટ્રિક સાથેનો આધાર જીવન જીવવાની સરળતા પૂરી પાડે છે અને શાળા પ્રવેશ, પ્રવેશ પરીક્ષાઓ માટે નોંધણી, શિષ્યવૃત્તિ, DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) યોજનાઓ વગેરે જેવી સેવાઓનો લાભ લેવા માટે આધારનો સરળ ઉપયોગ સુનિશ્ચિત કરે છે. માતાપિતા/વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રાથમિકતાના ધોરણે આધારમાં તેમના બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરે.