Sunday, October 12, 2025
Latest:
Current Affairs

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

મહામહિમ પ્રધાનમંત્રી સ્ટાર્મર,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

આજે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર સ્વાગત કરતાં મને આનંદ થાય છે.

મિત્રો,

પ્રધાનમંત્રી સ્ટાર્મરના નેતૃત્વમાં, ભારત-યુકે સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વર્ષે જુલાઈમાં યુકેની મારી મુલાકાત દરમિયાન, અમે ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA-કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ) કરાર પૂર્ણ કર્યા. આ કરાર આપણા બંને દેશો વચ્ચે આયાત ખર્ચ ઘટાડશે, યુવાનો માટે નવી રોજગારીની તકો ઉભી કરશે, વેપારને વેગ આપશે અને આપણા ઉદ્યોગો અને ગ્રાહકો બંનેને લાભ આપશે.

કરાર પર હસ્તાક્ષર થયાના થોડા મહિનાઓ પછી અને તમારી સાથે આવેલું સૌથી મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ, ભારત-યુકે ભાગીદારીમાં નવી ઊર્જા અને વ્યાપક દ્રષ્ટિકોણનું પ્રતીક છે.

મિત્રો,

ગઈકાલે, ભારત અને યુકે વચ્ચે વ્યાપાર નેતાઓનું સૌથી મોટું શિખર સંમેલન યોજાયું હતું. આજે અમે ભારત-યુકે સીઈઓ ફોરમ અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલને પણ સંબોધિત કરીશું. આ બધા ભારત-યુકે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અસંખ્ય સૂચનો અને નવી શક્યતાઓ પ્રદાન કરશે.

મિત્રો,

ભારત અને યુકે કુદરતી ભાગીદારો છે. અમારા સંબંધો લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારી માન્યતા પર આધારિત છે. વૈશ્વિક અસ્થિરતાના વર્તમાન યુગમાં, ભારત અને યુકે વચ્ચેની આ વધતી ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને આર્થિક પ્રગતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ રહી છે.

આજની બેઠકમાં અમે ઈન્ડો-પેસિફિક, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર પણ વિચારો શેર કર્યા. યુક્રેન સંઘર્ષ અને ગાઝાના મુદ્દા પર, ભારત સંવાદ અને રાજદ્વારી દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

મિત્રો,

ભારત અને યુકે વચ્ચે ટેકનોલોજી ભાગીદારીમાં અપાર સંભાવનાઓ રહેલી છે. અમે યુકેની ઔદ્યોગિક કુશળતા અને સંશોધન અને વિકાસને ભારતની પ્રતિભા અને સ્કેલ સાથે જોડવા માટે કામ કરી રહ્યા છીએ.

ગયા વર્ષે, અમે ભારત-યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ શરૂ કરી હતી. આ પહેલ હેઠળ અમે મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકોમાં સંયુક્ત સંશોધન અને નવીનતા માટે એક મજબૂત પ્લેટફોર્મ બનાવ્યું છે. નવીનતા પુલ દ્વારા બંને દેશોની યુવા પેઢીને જોડવા માટે અમે કનેક્ટિવિટી અને નવીનતા કેન્દ્ર અને સંયુક્ત એઆઈ સંશોધન કેન્દ્ર જેવી ઘણી પહેલ કરી છે.

અમે મહત્વપૂર્ણ ખનિજો પર સહયોગ કરવા માટે ઇન્ડસ્ટ્રી ગિલ્ડ અને સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. તેનું સેટેલાઇટ કેમ્પસ ISM ધનબાદ ખાતે હશે.

અમારી પાસે ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા છે. અમે આ દિશામાં ભારત-યુકે ઓફશોર વિન્ડ ટાસ્કફોર્સની રચનાનું સ્વાગત કરીએ છીએ.

અમે ક્લાઇમેટ ટેકનોલોજી સ્ટાર્ટઅપ ફંડની સ્થાપના કરી છે. આ ક્લાઇમેટ, ટેકનોલોજી અને એઆઈમાં કામ કરતા બંને દેશોના ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ટેકો આપશે.

મિત્રો,

સંરક્ષણ અને સુરક્ષાથી લઈને શિક્ષણ અને નવીનતા સુધી, ભારત-યુકે સંબંધોમાં નવા પરિમાણો ઘડી રહ્યા છે.

આજે, પ્રધાનમંત્રી સ્ટાર્મરની સાથે શિક્ષણ ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી પ્રતિનિધિમંડળ છે. તે આનંદદાયક છે કે નવ યુકે યુનિવર્સિટીઓ હવે ભારતમાં કેમ્પસ ખોલી રહી છે. Southampton Universityના ગુરુગ્રામ કેમ્પસનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના પહેલા જૂથે નોંધણી કરાવી લીધી છે. GIFT સિટીમાં ત્રણ અન્ય યુકે યુનિવર્સિટી કેમ્પસનું નિર્માણ ચાલી રહ્યું છે.

અમારો સંરક્ષણ સહયોગ પણ વધ્યો છે. અમે સંરક્ષણ સહ-ઉત્પાદન અને બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગોને જોડવા તરફ આગળ વધી રહ્યા છીએ. સંરક્ષણ સહયોગને એક ડગલું આગળ લઈ જઈને, અમે લશ્કરી તાલીમમાં સહયોગ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, ભારતીય વાયુસેના ફ્લાઈંગ પ્રશિક્ષકો યુકે રોયલ એરફોર્સમાં પ્રશિક્ષક તરીકે સેવા આપશે.

આ એક ખાસ સંયોગ છે કે જ્યારે આ બેઠક દેશની નાણાંકીય રાજધાની મુંબઈમાં થઈ રહી છે, ત્યારે આપણા નૌકાદળના જહાજો “કોંકણ 2025” સંયુક્ત કવાયતનું સંચાલન કરી રહ્યા છે.

મિત્રો,

યુકેમાં રહેતા 1.8 મિલિયન ભારતીયો અમારી ભાગીદારીમાં એક જીવંત કડી છે. બ્રિટિશ સમાજ અને અર્થતંત્રમાં તેમના મૂલ્યવાન યોગદાન દ્વારા, તેમણે આપણા બંને દેશો વચ્ચે મિત્રતા, સહયોગ અને વિકાસના પુલને મજબૂત બનાવ્યો છે.

મિત્રો,

ભારતની ગતિશીલતા અને યુકેની કુશળતા એક અનોખી તાલમેલ બનાવે છે. આપણી ભાગીદારી વિશ્વસનીય, પ્રતિભા અને ટેકનોલોજી-સંચાલિત છે. અને આજે જ્યારે હું અને પ્રધાનમંત્રી સ્ટાર્મર મંચ પર સાથે ઉભા છીએ, ત્યારે આપણી સ્પષ્ટ પ્રતિબદ્ધતા છે કે સાથે મળીને, આપણે બંને દેશોના લોકો માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું.

હું ફરી એકવાર પ્રધાનમંત્રી સ્ટાર્મર અને તેમના પ્રતિનિધિમંડળનો ભારતની આ મુલાકાત માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

ખુબ ખુબ આભાર.

 

Visitor Counter : 141