Current Affairs

“જો આજે હું મહેસાણા ન આવ્યો હોત તો મને ખૂબ અફસોસ થાત” – વાઈબ્રન્ટ ગુજરાત,રીજનલ કોન્ફરન્સ બાબતે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીની પ્રતિક્રિયા

“જો આજે હું મહેસાણા ન આવ્યો હોત તો મને ખૂબ અફસોસ થાત” – વાઈબ્રન્ટ ગુજરાત,રીજનલ કોન્ફરન્સ બાબતે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીની પ્રતિક્રિયા

કેન્દ્રીય નવી અને રિન્યુએબલ ઊર્જા મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીએ આજે મહેસાણામાં ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિતવાઇબ્રન્ટ ગુજરાતપ્રાદેશિક સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ગુજરાતે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આવેલી અક્ષય ઊર્જાની ક્રાંતિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

શ્રી જોશીએ મહેસાણાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, “મહેસાણા તો ખૂબ ડાયનેમિક જગ્યા છે, જ્યાં ક્લીન એનર્જીને પ્રકાશ સ્તંભ (બીકોન) તરીકે ગણવામાં આવે છે.” તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલું મોઢેરા 24×7 સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરનારું કદાચ દુનિયાનું  એકમાત્ર ગામ છે, જે ગૌરવની વાત છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી, ગુજરાત હવે તેની સ્થાપિત ક્ષમતાના 60% જેટલી ઊર્જા રિન્યુએબલ એનર્જીમાંથી મેળવે છે.” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 વર્ષ પહેલાં જ્યારે સૌર ઊર્જાની પહેલ શરૂ કરી, ત્યારે પ્રતિ યુનિટનો ખર્ચ 18 થી 20 રૂપિયા થતો હતો અને લોકો મજાક ઉડાવતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, રાજનીતિજ્ઞ અને દ્રષ્ટા તે હોય છે જે 20-25 વર્ષ પછી શું થવાનું છે તે પહેલાં જોઈ શકે છે. પ્રધાનમંત્રીએ તે સમયે તેની કલ્પના કરી હતી.” આજે વિઝન એક ક્રાંતિ બની ગયું છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં સોલર યુનિટ કોસ્ટ ઘટીને માત્ર ₹2.15 પૈસા થઈ ગયો છે. બેટરી સ્ટોરેજ સાથે પણ પ્રતિ યુનિટ ભાવ ₹2.70 પૈસા જેટલો નોંધાયો હતો. ત્યારે જે લોકો તેમની મજાક ઉડાવતા હતા તેઓ આજે સમજ્યા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 2014 માં જ્યારે પ્રધાનમંત્રી મોદીએ પદ સંભાળ્યું, ત્યારે દેશમાં કુલ સોલર વીજળીનું ઉત્પાદન માત્ર 2.8 ગીગાવોટ થતું હતું. આજે દેશમાં 125 ગીગાવોટ વીજળી માત્ર અને માત્ર સોલરથી મળી રહી છે.”

કેન્દ્રીય મંત્રીએ જળવાયુ પરિવર્તનના ગંભીર પડકાર તરફ ધ્યાન દોરતા કહ્યું હતું કે, “આપણી માગ વધવાને કારણે આપણે સસ્ટેનેબલ (ટકાઉ) નહીં, પણ અનસસ્ટેનેબલ (બિનટકાઉ) છીએ. આપણે કુદરત અને જૈવવિવિધતાને નષ્ટ કરી રહ્યા છીએ. તેમણે ચેતવણી આપી હતી કે ઔદ્યોગિક ક્રાંતિ પછી પૃથ્વીનું તાપમાન 1.1 ડિગ્રી વધ્યું છે, જેના કારણે ધ્રુવીય રીંછ(પોલર બેયર) અને ધ્રુવીય શિયાળ (પોલર ફોક્સ) જેવા જીવો લુપ્ત થઈ રહ્યા છે. શ્રી જોશીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “1.5 ડિગ્રી તાપમાન વધવા માટે મેક્સિમમ 7 વર્ષ છે. જો આપણે આને પાર કરીશું તો પરિસ્થિતિ ખૂબ ગંભીર બની જશે.”

Visitor Counter : 161